વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

મહેમાનગતિ તો ગુજરાતની-Jwalant Chhaya, Ahmedabad

‘અતિથિ તુમ કબ જાઓગે’ની માનસિકતા ગુજરાતીઓની નથી
‘તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે’ તે ગુજરાતની પરંપરા છે. આજની મોંઘવારીમાં ‘ભાવ’ ભલે વઘ્યા હોય પણ યજમાનના મહેમાન માટેના ‘ભાવ’માં કોઈ ઘટાડો થયો નથી.
કાઠિયાવાડની મહેમાનગતિમાં ભગવાનને પણ સ્વર્ગ ભૂલાવવાનો પડકાર છે તો ચરોતર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની પરોણાગત પણ કમ નથી

ગુજરાતની જે પરંપરા અને જે પ્રણાલી છે તેમાં તેની મહેમાનગતિ, આતિથ્ય સૌથી ઉલ્લેખનીય છે. કરછ અને કાઠિયાવાડ હોય કે આધુનિક અમદાવાદ કે પછી ચરોતર આંગણે આવેલો અતિથિ ઇશ્વર પછીનું સ્થાન અહીં પામે છે. ‘મેરે અંગને મેં તુમ્હારા કયા કામ હૈ’ કે ‘અતિથિ તુમ કબ જાઓગે’ અહીંનાં સૂત્રો નથી. અહીં તો વર્ષોથી એક જ સૂર ગૂંજે છે, ‘તારા આંગણિયા રે પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે…’ મહેમાં જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ એ જાણે ગુજરાતનો મંત્ર છે અને આ કોઈ ઐતિહાસિક કે કથાઓમાં રહેલી વાત નથી.

ભજનની સાથે ભોજનની ફિલોસોફીને જીવનાર અનેક સંતોએ અહીં અન્નક્ષેત્રની જયોત પ્રગટાવી છે તેનો પ્રકાશ આજે પણ છે. તો અહીં કોઈ પરિવાર માટે પણ આતિથ્ય એટલે એક્સ્ટ્રા એકિટવિટી નથી. ઘરે રસોઈ બને એટલે વધારે એક-બે માણસ જમી શકે તેટલી વ્યવસ્થા તો હોય જ! આઠ-દસ રોટલી કે ચાર ભાખરી વધારે ન બને તો એ ગુજરાતી પરિવારનું રસોડું નહીં. એક સમય હતો જ્યારે કાઠિયાવાડમાં અફીણના અમલની અંજલિ, કસુંબા અપાતા, મહેમાનો માટે વિશેષ વ્યવસ્થા રહેતી.

‘કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન, કોક દિ થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.’
અમદાવાદીઓ મહેમાનને દાળવડાં અને ગોટા ખવડાવે અને સુરત જનારા લોકો લોચો કે સિઝનમાં પોંક ખાધા વગર પરત ન ફરે. વરાછામાં આખા રાજ્યની વાનગીઓ મળે અને તે ખાવા માટે રીતસર ખાસ કાર્યક્રમ ઘડી કઢાય અને તેનાં તેડાં થઈ જાય. ઉત્તર ગુજરાત કે ચરોતરના પટેલોની મહેમાનગતિ પણ એવી જ દિલેરીભરી.

જમવા બેઠેલો મહેમાન જયાં સુધી ના ન પાડે ત્યાં સુધી લાપસીમાં ઘી રેડવાનું બંધ ન થાય અને કેરીના રસની બાલદી પણ પીવાઈ જાય તો પણ યજમાનના પેટનું પાણી ન હલે. અને હા, બધા પેટાપ્રાંતમાં બધી વાનગીની વરચે ધ્રુવતારક જેવું અવિચળ નામ છે ગાંઠિયા. રમૂજ તો એવી છે કે અહીં જાન લઈને આવનાર પરિવાર દહેજ ન માગે પણ નાસ્તામાં ફાફડા હોય એવી ઇચ્છા તો રાખે.

ભગવાનને કેમ ગમે ગુજરાત?

શામળો સ્વર્ગ શા માટે ભૂલે? અહીં બનતા રોટલાની ‘વ્યાખ્યા’ એટલે મંગળપુરનો બોજરો હોય, ધ્રાંગધ્રાની પથરાની ઘંટી હોય, દીઘડિયા ગામના કુંભારે ઘડેલી તાવડી હોય, ગોલાસણીની વીડીનાં છાણાં હોય, મેરુપરની નારીએ એ બાજરો દળ્યો હોય અને સ્ત્રી પહેલા ખોળાના દીકરાને હેતથી હલાવે એ રીતે તે રોટલો ઘડાય ને ત્રણ ઘર સુધી તેની સોડમ જાય, સાથે નવચંડી ભેંસનું દૂધ હોય, આકરુ ગામના રીગણાનું ભડથું હોય અને ત્યારે જો કૃષ્ણ ભગવાન પસાર થાય તો અહીં જ રહી જાય ને?

શેઠ સગાળશાની પ્રસિદ્ધ કથા

જૂનાગઢ પાસેના બિલખામાં શેઠ સગાળશાનું એવું વ્રત હતું કે દરરોજ આંગણે આવેલા એક સંત-સાધુને ભોજન કરાવીને જ પોતે જમે. અને જે દિવસે કોઈ સંત ન આવ્યા હોય તે દિવસે શેઠ અને તેમનાં પત્ની ભૂખ્યાં રહે. ઈશ્વરને એક દિવસ તેમની પરીક્ષા કરવાનું મન થયું અને સાધુનું રૂપ લઈને ખુદ નારાયણ આવ્યા અને કહ્યું કે, મારે તો પરમાટી-માંસાહારનું ભોજન જોઈએ. શેઠ માટે ધર્મસંકટ ઊભું થયું. ત્યાં તો મહાત્માએ કહ્યું, તારો દીકરો ચેલૈયો ખાંડીને ખવરાવ તો જ જમું. શેઠ અને તમનાં પત્ની પર તો આભ ફાટયું, પરંતુ ટેક એ ટેક બંનેએ ચેલૈયાને ખાંડવાની તૈયારી દર્શાવી. દીકરો પણ સવાયો, તે ભાગી જવાની માસ્તરની સલાહ ન માન્યો અને માતા-પિતાનું વ્રત રાખવા પોતે મરવા તૈયાર થયો, પરંતુ અંતે ભગવાને તેમને આ કસોટીમાંથી પાર ઉતાર્યા.
ચેલૈયાને પુન: જીવિત કર્યો.

આજે પણ મહેમાન ભગવાન છે

અગત્યની વાત તો એ છે કે જેને ઘરે મહેમાન હોય તેની પોતાની આર્થિક સ્થિતિ જે હોય તે પણ તેની અસર મહેમાનને તો દેખાય પણ નહીં. ઘરમાં ન હોય તે વસ્તુ કે પછી તે લેવાના પૈસા પણ બહારથી લઈને મહેમાનને તો અછોવાના કરીને અને તેની પૂરે પૂરી સરભરા કરીને મોકલવામાં આવે છે.

નોલેજ પ્લસ

આતિથ્યની ઉમદા પ્રથા અહીં વર્ષોથી છે, અને હવે ભલે આ કસુંબા કે ઢીંચણિયા કે ઢોલિયા કથાઓનાં પાનાં પરના શબ્દો છે, પરંતુ આજે પણ ભોજન સમારંભ હોય ત્યારે આ કામ હવે કેટરર્સ સર્વિસવાળા કરતા હોય છે.

સંતોના સ્થાનકમાં પણ પરોણાગતની પરંપરા

1. વીરપુરમાં જલારામબાપાની જગ્યામાં દરરોજ બે ટંક ભોજન વર્ષોથી કરાવાય છે અને લાખો શ્રદ્ધાળુઓ વર્ષોથી ત્યાં આવી યથાશકિત દાન આપતાં, પરંતુ દાનનો અવિરત પ્રવાહ આવતાં અંતે મંદિર તરફથી હવે દસેક વર્ષથી કોઈ પણ પ્રકારની આર્થિક ભેટ સ્વીકારવાનું બંધ કરાયું છે. અન્નક્ષેત્ર તો ચાલે જ છે.

2. બગદાણામાં બજરંગદાસ બાપાના આશ્રમમાં પણ અતિથિઓ માટે ભોજનની કાયમી વ્યવસ્થા હોય છે.

ફેક્ટ ફાઇલ

૧. જૂનાગઢમાં ગિરનાર તળેટી પાસે જંગલમાં કાશ્મીરીબાપુની જગ્યામાં પણ ભોજન મળે અને ૮૦૦૦ પગથિયાં ચડીને પર્વત પર કમંડલ કુંડમાં પણ ભાવિકોને ભોજન મળે છે.

૨. ગીરના જંગલમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધારમાં દરરોજ સરેરાશ ૭૦૦૦ માણસો ભોજન લે છે.

૩. અન્નક્ષેત્રમાં માત્ર ગરીબો-જરૂરતમંદો જ જમે એવું નથી, કોઈ પણ જઈને ત્યાં ભોજન લઈ શકે છે અને તેની સામે તેણે સ્વૈચ્છિક દાન જ આપવાનું હોય છે.

૪. સુરતમાં જમાઈને કેરી ખાવા બોલાવવાનો રિવાજ છે, દર ઉનાળે જમાઈઓ પોતપોતાના સાસરે આ રીતે કેરી ખાવા જાય છે અને મઠ્ઠો, રસ અને શિખંડની મજા લે છે.

મુઠ્ઠી ઊચેરો ગુજરાતી, ટુકડો ત્યાં હરિ ઢુકડો: દાદા મેકરણ

‘તળેટી કચ્છની તપતી, રેતાળ, સૂકી, વિધવાના સેંથા જેવી કોરી ધરતી, વૈશાખ માસની બપોર હોય, આકાશ લૂના તીર વરસાવતું હોય અને એવા સમયે આ રણમાં જો કોઈ ભૂખ્યો માણસ કે પરિવાર ભોજન કે પાણીની શોધમાં હોય તો તેને ક્યાંક અચૂક ભોજન મળી રહે. કોણ આપે તે ભોજન? એક સંત, એક ઓલિયા-ફકીર. નામ એમનું દાદા મેકરણ. કરછના ધ્રંગ વિસ્તારના આ સંતે આખો જન્મારો લોકોનું પેટ ભરવામાં કાઢ્યો.

તેઓ એક કાવડ લઈને ફરતા. એક તરફ રોટલા હોય અને બીજા માટલામાં છાશ હોય. તેમના બે સાથી પણ સાથે હોય, લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. એ કૂતરો રણમાં ફરે, ભટકેલા મુસાફરોને શોધી લાવે, તેને મેકરણ દાદા જયાં ઊભા હોય કે ચાલતા હોય ત્યાં લઈ જાય અને પછી એ વટેમાર્ગુને રોટલો ને છાશ મળે. વર્ષો સુધી સંત મેકરણે આવી રીતે ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે.

Advertisements

એપ્રિલ 12, 2010 - Posted by | ગુજરાત

2 ટિપ્પણીઓ »

 1. Well-done, Jwalantbhai.

  > “લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો.”

  Laliyo munjo lakhanvanto, motiyo jedo bha
  Muchhala nar dhori fagaiya, ininje pucch mathha

  [Sorry, I can’t type Gujarati :-)]

  ટિપ્પણી by Rajkotian | જુલાઇ 20, 2010 | જવાબ આપો

 2. jay jay garvi gujrat
  etle j to gujrat mahan che ane
  aava santo thaki gujrat nu nam vadhare roshan thse

  ટિપ્પણી by baldevji lagadhir | એપ્રિલ 30, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: