વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

Charan Kanya ઝવેરચંદ મેઘાણી

સાવજ ગરજે

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્ધાર ઉઘાડે !
પ્રુથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભલે કાઠી ઊઠે
ઘર-ઘરમાંથી માતી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા

ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

-ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani)

Advertisements

મે 22, 2010 Posted by | કાવ્ય અને ગઝલ | 1 ટીકા

જોક્સ જંકશન – Gujarat Samachar

લૂઝ-મોશન નેટવર્ક
મોબાઇલ કંપનીના કોઈ સેલ્સમેનને આ ઉનાળાની લૂ લગાવાથી ઝાડા થઇ ગયા હોય તો એ ડોકટર આગળ શી રીતે ફરિયાદ કરશે ?

‘સાહેબ, સવારથી અનલિમિટેડ આઉટ-ગોઇંગ ચાલે છે. અંદરથી નવા નવા રીંગટોન સંભળાય છે. પેટમાં બેલેન્સ ખલાસ થઇ ગયું છે. થોડું પણ રિચાર્જ કરાવું કે પાંચ મિનિટમાં ડિસ્ચાર્જ થઇ જાય છે. સાહેબ, મહેરબાની કરીને આ સ્કીમ તાત્કાલિક બંધ કરાવશો ?
* * *
દારૂબંધીનું ભાષણ
રાતના બે વાગે સૂમસામ રસ્તા પર એક દારૂડિયો લથડીયાં ખાતો જતો હતો. પોલીસે એને અટકાવ્યો. ‘ક્યાં જાય છે ?’
‘દારૂ પીવાથી થતા નુકસાન વિશે પ્રવચન સાંભળવા જાઉં છું !’
પોલીસ ચીડાયો ‘રાતના બે વાગે કોણ આવું પ્રવચન આપે છે ?’
‘મારી બૈરી !’
* * *
સન્તાનું ઇંગ્લીશ
સન્તા ઇંગ્લીશના પેપરમાં ફેલ થયો. એના બધા માર્ક ભાષાંતરમાં કપાઈ ગયા. વાંચો એના નમૂના.
(૧) મૈં એક આમ આદમી હું.
અનુવાદ ઃ આઈ એમ વન મેન્ગો પરસન

(૨) મુઝે ઇંગ્લીશ આતી હૈ.
અનુવાદ ઃ ઇંગ્લીશ કમ્સ ટુ મિ.

(૩) મેરા ગાંવ હરિપુર હજારા હૈ
અનુવાદ ઃ માય વિલેજ ઇઝ ગ્રીનપુર થાઉઝન્ડા.

(૪) સડક પે ગોલિયાં ચલ રહી થી.
અનુવાદ ઃ ટેબ્લેટસ વૅર વૉકિંગ ઓન ધ રોડ
* * *
સૌથી અઘરો સવાલ
‘એક સફરજનના ઝાડ પર ૧૦ કેરીઓ હતી. એમાંથી ૫ ચીકુ મેં તોડયાં, તો એ ઝાડ પર હવે કેટલી મોસંબી હશે ?’ ક્લાસમાં એક સાહેબે સવાલ પૂછયો.
ગટુએ જવાબ આપ્યો ‘સર, ૧૦ હાથી !’
સર બોલ્યા ‘વાહ ! સાચો જવાબ છે. તને કેવી રીતે આવડી ગયો ?’
ગટુ ઃ ‘કારણ કે આજે નાસ્તાના ડબ્બામાં હું ઘઉંનું શાક અને કાકડીની રોટલી લાવ્યો છું.’
* * *
સીઆઈડી શાયરીઓ
(૧) જલ જાતી હૈ આગ
બચતી સિર્ફ રાખ હૈ…
દયા, લગતા હૈ કે યે
ખૂની બડા ચાલાક હૈ !

(૨) ઠંડે ઠંડે પાની સે
નહાના ચાહિયે….
ઠંડે ઠંડે પાની સે
નહાના ચાહિયે….
દયા, હમેં ઉસ જગહ પર
વાપસ જાના ચાહિયે !

(૩) મરાઠી મેં કહતે હૈં
મમ્મી કો ‘આઈ’
દયા, પતા લગાઓ
યે ગોલી કિસને ચલાઈ !

(૪) કઠીન ખેલ શતરંજ કા
આસાન ખેલ હૈ તાશ
દેખો-દેખો સર, પાની મેં
તૈર રહી હૈ લાશ !
* * *
બન્તાનું સુવાક્ય
લોગ કહતે હૈં કિ પ્યાર બિના કોઈ જીન્દગી નહીં હોતી… પર મુઝે લગતા હૈ કિ ‘ઓકિસજન’ જ્યાદા જરૂરી હૈ !
* * *
સન્તાનો સવાલ
સન્તા ઃ યાર, મુઝે સુબહ સુબહ સાંસ લેને મેં બડી તકલીફ હોતી હૈ !
બન્તા ઃ વો તો હોગી હી. બબા રામદેવ ઔર ઉસ કે ચેલે સુબહ સુબહ સારા ઓકિસજન ખીંચ લેતે હૈં !
* * *
પત્નીની ફરમાઈશ
પતિ ઃ હું તારી આ રોજ રોજની ફરમાઇશોથી ત્રાસી ગયો છું. હવે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.
પત્ની ઃ એમ ? તો એક સારામાંની સફેદ સાડી તો અપાવતા જાવ !
* * *
પાકિસ્તાનની પોલીસ
છાશવારે થતા બોમ્બ ધડાકાથી પાકિસ્તાનની પોલીસ તંગ આવી ગઈ છે. નોર્થ ફ્રન્ટિયર જીલ્લાના એક ગામના તળાવમાં એક પઠાણ નહાતો હતો ત્યાં પોલીસ આવી પહોંચી. ઇન્સ્પેકટરે કહ્યું ઃ
‘ઓય ! બાહર આ કર કપડે પહન લે ! તેરી તલાશી લેની હૈ !’
* * *
છોટા રિ-ચાર્જ
સન્તા ઃ જો બન્તા, તેરી બીવી કો સાંપ ડસ રહા હૈ !
બન્તા ઃ ફિકર મત કર યાર ! ઉસ કા ઝહર ખતમ હો ગયા હોગા તો રિ-ચાર્જ કરવાને આયા હૈ !’
* * *
એક ડર
મંદિરમાં જૂતાં ઉતારતી વખતે… અને કોઇને મિસ-કોલ મારતી વખતે.. સતત ડર રહેતો હોય છે કે… કોઇ ઉપાડી ના લે !
* * *
ટચૂકડી જોક
બન્તા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો.
….
….
….
જોક પુરી થઈ ગઈ, ભાઈ !
* * *
SMS PHATAK
QUICK BROWN FOX JUMPS OVER THE LAZY DOG.
This sentence has all 26 alphabates of English. But there is another one….
PACK MY BOX WITH FIVE DOZEN LICQUOR JUGS.

મે 17, 2010 Posted by | હસો અને હસાવો | Leave a comment

Good Sites – Nimesh Panchal

http://www.google.com/transliterate/indic/GUJARATI
http://www.in20years.com
http://www.4to40.com
http://www.weightlossforall.com/calories-pizza.htm
http://www.wikihow.com/Calculate-Your-Body-Mass-Index-(BMI)
http://www.deathclock.com/
http://www.xe.com/ucc/

મે 16, 2010 Posted by | Links | Leave a comment

‘..અને જોયું તો મારા પગ પાસે જ એક કદાવર સિંહણ..’ Sanat Shodhan

(Divyabhaskar)

‘..અને જોયું તો મારા પગ પાસે જ એક કદાવર સિંહણ..’
Sanat Shodhan
ગુજરાતમાં સિંહની વસતી ગણતરી સંપન્ન થઇ ગઇ અને ૪૧૧ સિંહ હોવાનું ગૌરવભેર જાહેર પણ કરાયું. સિંહની વસતીગણતરી વખતે સતત સાથે રહેલા ભારતના ખ્યાતનામ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સનત શોધનને થયેલા રોમાંચક અનુભવોની વાત, એમના જ શબ્દોમાં…

આજથી દસ વર્ષ પહેલાં સરિસ્કાના જંગલમાં વાઘની ગણતરી વખતે પૂનમની રાત્રે વાઘ સાથે એક રોમાંચક અનુભવ થયેલો. દસ વર્ષ પછી ક્યારેય ભૂલાય નહીં અને ફરી ક્યારેય થાય નહીં એવો દિલધડક અનુભવ સિંહ ગણતરી વખતે સાસણ ગીરમાં થયો. આ વર્ષે જંગલખાતા તરફથી ૨૪થી ૨૭ એપ્રિલ, ૨૦૧૦ દરમિયાન ફોટોગ્રાફી તથા આધુનિક જીપીએસની મદદથી સિંહની વસતી ગણતરીનું આયોજન કરાયું હતું. નાયબ વન્ય સંરક્ષક સંદીપકુમાર સાહેબે ખૂબ મહેનત કરીને ૧૫૦૦ જેટલા સ્વયંસેવકો માટે બધી જ જાતની સુંદર વ્યવસ્થા કરેલી. ચાર દિવસ ચાલનારી સિંહની ગણતરીમાં સતત જંગલમાં રહીને જીપમાં કે ચાલીને કપરું અને જોખમી કામ કરવાનું હતું.

મારા કમરના દુ:ખાવાને લીધે જરા વિચારમાં પડ્યો કે આ કપરું કામ કેમ પાર પડશે? બીજી જ ક્ષણે થયું કે હવે પછીની ગણતરી પાંચ વર્ષે થશે, ત્યારે તો હું સિત્તેર વટાવી ચૂક્યો હોઇશ અને એમાં ભાગ લેવાનું કદાચ શક્ય ન પણ બને. મેં મનમાં ગાંઠ વાળી: ગમે તે થાય, પણ આ વખતે ગણતરીમાં ભાગ લેવો જ છે. આ મક્કમ નિર્ધાર સાથે મેં ગણતરીમાં ભાગ લીધો. તા. ૨૪ એપ્રિલના દિવસે બપોરે બે વાગ્યાથી શરૂ કરીને બીજા દિવસની બપોરના બે વાગ્યા સુધીના ૨૪ કલાકમાં અમે અગિયાર સિંહ જોયા અને તેની નોંધણી કરી.

૨૬મી તારીખે બપોરે બે વાગે ફરી દેવિળયા ઝોનમાં નીકળ્યા. તરત જ અમે પાંચ સિંહનું ટોળું જોયું. એક સિંહ, બે સિંહણ અને બે બચ્ચાં. ત્યારપછી દર થોડા સમયે અમને સિંહ મળતા રહ્યાં. રાત્રે આઠ વાગે બાબરા ચોકી પાસે દસ સિંહોની પલટન જોવાનો અનેરો લહાવો મળ્યો. જીવનમાં જવલ્લે જ જોવા મળતી સિંહોની આવી કતારનો મન ભરીને આનંદ લૂંટ્યો.

ત્યાંથી નીકળી અમે દોઢ કલાકે ખાંડણીધાર પહોંચ્યા. ત્યાં પહોંચતાની સાથે જ અમે જંગલમાં અંદરની બાજુએ બે સિંહ બેઠેલા જોયા. ઝાડી વચ્ચે બેઠેલા સિંહના ફોટા પાડ્યા પણ જો સિંહ બહાર આવે તો ફોટા પાડવાની વધુ મજા આવે, તે વિચારે અમે થોડે આગળ કાબુડી નાકા પાસે ગયા. ત્યાં બે ચોકીદારો એક પથરાળ ટેકરી ઉપર ઊભા હતા. અમે ટેકરી ચઢી તેમની પાસે ગયા. ટેકરી પાસે જ સિંહ અને બીજા જંગલી જાનવરો માટે પીવાના પાણીના કુંડ હતા.

પેલા બે સિંહ નજીકમાં જ હતા. બંને સિંહોના હાકોટા અને ગર્જનાઓના અવાજ, જંગલની નિરવ શાંતિને ચીરીને દૂર દૂર સુધી સંભળાતા હતા. વાતાવરણમાં પણ એક અકલ્પ્ય ભય તરતો હતો. અનુભવે ચોકીદારોને વિશ્વાસ હતો કે સિંહો પાણી પીવા જરૂર આવશે. અમે તેમની સાથે રોકાયા. અમારા ઉત્સાહી કાટારાસાહેબ આજુબાજુ બીજા સિંહો ક્યાં છે તે શોધવા નીકળી પડ્યા. જેમ જેમ રાત વધતી હતી તેમ તેમ પવનના સુસવાટા અને ઠંડી વધતી હતી.

સાથે સાથે ઝાકળ પડવાનું પણ શરૂ થયું. જંગલની ટાઢ તો જેણે અનુભવી હોય એ જ કહી શકે! વાતાવરણ ખૂબ ઠંડું, ચંદ્રના પ્રકાશમાં ઝળહળતું અને આજુબાજુથી આવતા ચિતલ, સાંબરના ધ્રુજારીભર્યા એલાર્મકોલથી ખૂબ જ રોમાંચક બની ગયેલું. મધરાત બાદ લગભગ અઢી વાગે પેલા બે સિંહ પાણી પીવા આવ્યા. તેમની જીભના પાણી પીવાના અવાજે અમને સૌને ચેતવ્યા. સૌ મીટ માંડીને ચંદ્રના પ્રકાશમાં બંને સિંહોને નિરખતા રહ્યા. થોડીવારે બંને સિંહો પાણી પીને ચાલ્યા ગયા. સૌને હાશ થઇ! આખો દિવસ જંગલમાં ફર્યાના થાકે સૌનો કબ્જો લઇ લીધો. ઊંઘ ન જુએ ઓટલો એમ વિચારીને સૌએ પથ્થરો પર લંબાવવા વિચાર્યું. અહીં જ મારા જીવનનો એક અનન્ય અનુભવ મારી રાહ જોતો હતો…

મને થયું કે જ્યારે ચારેબાજુ સિંહ હોવાની શક્યતા છે તો બધાએ એકસાથે સુવું યોગ્ય નથી જ. મેં કહ્યું ‘તમે સૌ સુઇ જાઓ, હું જાગતો બેઠો છું.’ અમારી સાથેના બે જણ અને ચોકીદારો સૌ સુઇ ગયા. હું બેઠો રહ્યો. કલાક થયો..જંગલ પણ જાણે અંધારાની ચાદર ઓઢીને સૂઇ ગયું હતું. સિંહોની ગર્જના પણ બંધ થઇ હતી. ચિતલ, સાંબરના એલાર્મકોલ્સ પણ બંધ થયેલા. મનેય બે ઘડી ઊંઘ ખેંચી લેવાની ઇચ્છા થઇ આવી.

મન ના પાડતું હતું, પરંતુ શરીર તો હિસાબ માગે ને! હું આડો પડ્યો અને મારી આંખ મળી ગઇ. લગભગ ૧૫થી ૨૦ મિનિટ થઇ હશે અને મારી તંદ્રામાં એક ન કલ્પી શકાય એવો ભાસ થયો કે મારી સામે કોઇ ઊભું છે અને મને ટગરટગર જોયા કરે છે. મેં તરત જ આંખો ખોલી, માથું ઊંચું કર્યું અને જોયું તો મારી સામે, મારા પગ પાસે, મને એકીટસે જોતી એક કદાવર સિંહણ…ધ્રાસકો પડ્યો, હવે શું કરું? પણ ધીરજ ગુમાવી નહીં.

માથું જમીન ઉપર પાછું ટેકવી દીધું. સ્તબ્ધ થઇને પડી રહ્યો. હું અને સિંહણ એકીટસે એકબીજાને જોતાં રહ્યાં. સેકન્ડો કલાકો જેવી લાગવા માંડી. મનમાં થયું કે પ્રભુ આ સિંહણને અહીંથી ખસેડે તો આજુબાજુના લોકોને ઉઠાડું. ભયાનક બીકની સાથે સિંહણને આટલે નજીકથી જોવાનો લહાવો પણ મળ્યો. પ્રભુએ મારી વિનંતી સાંભળી, ને થોડી ક્ષણોમાં સિંહણ ખસીને અમારી બાજુમાં જઇ ઊભી રહી.

મેં હિંમત કરી બાજુમાં સૂતેલા મુકેશભાઇ મહેતાને ધીમેથી કહ્યું, ‘ઊઠો સિંહણ બાજુમાં ઊભી છે.’ પછી ખસીને ચોકીદારને ઉઠાડ્યો અને અમે સૌ પલકારામાં બેઠા થઇ ગયા. ઊભેલી સિંહણને જોઇ રહ્યા અને સાથે સાથે આગળ પાછળ નજર કરી તો બીજી બે સિંહણ અમારી પાછળ થોડે છેટે ઊભેલી. ચોકીદારોની સૂઝ અને અમુક ઢબના અવાજથી પાસે ઊભેલી સિંહણ ચાલીને બીજી સિંહણો સાથે ભેગી મળીને જંગલમાં ચાલી ગઇ.

જંગલમાં જતાં જ ત્રણે સિંહણોએ હાકોટા કરવાની શરૂઆત કરી. આ સાંભળી ચોકીદારે કહ્યું, ‘આપણે સૌ સાથે જ ઊભા રહો. આ સિંહણો પેલા સિંહોને બોલાવે છે અને હમણાં જ સિંહ છલાંગ મારતાં દોડીને સિંહણો પાસે આવી જશે. અને ખરેખર એવું જ થયું! અમે દંગ થઇ જોઇ જ રહ્યા. પલકારામાં પાંચેય સિંહ-સિંહણ જંગલમાં અદ્રશ્ય થયાં.

આ કુદરતની કમાલ અને પ્રભુએ આપેલી આ અકલ્પ્ય યાદગાર ભેટ જિંદગીભર નહીં ભૂલાય! મારા ભાઇ પ્રણવને મેં આ પ્રસંગ વર્ણવ્યો ત્યારે તેણે એક જ વાત કહી કે ‘તારા કુદરત અને વન્ય પ્રાણીઓ પ્રત્યેના અખૂટ પ્રેમને વધાવવા પ્રભુએ તને આશીર્વાદ આપવા આ સિંહણને તારી પાસે મોકલી હશે.’ આવા જિંદગીભરનું ભાથું બને એવા રોમાંચક અનુભવો સાથે એક સાથે ચોત્રીસ સિંહો જોવાનો લહાવો પણ મળ્યો.‘

shodhansj@yahoo.co.in

મે 12, 2010 Posted by | ગુજરાત | Leave a comment