વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

આત્મગૌરવને ચકાસવા માટેની ૨૬ બાબતો કઈ ? – શશિન્

(Gujarat samachar)
‘મોજભૂખ્યા’ નહીં, ‘આત્મખોજ ભૂખ્યા’ માનવીઓ જ કોઈ પણ દેશની મોંઘેરી મુૂડી છે. સગવડોની પણ જે બનાવી નાખે ભભૂતી (રાખ) એનું નામ વિભૂતિ.

એક ઓફિસમાં બે કલાર્ક, એક સાહેબ અને ત્રણ પટાવાળા હતા. એક દિવસ એવું બન્યું કે ત્રણે ચપરાસી એક સાથે રજા પર. એના ત્રણ દિવસ પૂર્વે ત્રણ જાહેર રજાઓ અને રવિવાર હોઈ ઓફિસમાં ઘૂળ જામી હતી.

એક કલાર્કે ઓફિસનું બારણું તો ખોલ્યું, પણ ટેબલ પર ઘૂળ હોવાને કારણે કમ્પાઉન્ડમાં જ ઉભો રહ્યો. બીજો કલાર્ક પણ પટાવાળાઓ રજા પર હોઈ પહેલા કલાર્ક પાસે જ ઉભા-ઉભા ગપ્પાં મારવામાં વ્યસ્ત થઈ ગયો. એટલામાં ‘સાહેબ’ આવ્યા. એમણે ઓફિસમાં સ્વચ્છતા ન હોઈ હેડ ઓફિસથી બે પટાવાળા બોલાવી લેવાની સૂચના આપી અને નજીકના થીએટરમાં પિકચર જોવા માટે ચાલી ગયા.

હેડ ઓફિસમાંથી એક વૃદ્ધ પ્યુનને મોકલવામાં આવ્યો, પણ પહોંચ્યો ચાર વાગ્યે. એણે કહ્યું ઃ ‘‘હું દમનો રોગી છું. મારી મદદ માટે કોઈ સ્વીપર બાઈને બોલાવી આપો. હું તેનું સુપરવિઝન કરી સફાઈનું કામ કરાવીશ.’’ અને એમ સાંજના સાડા પાંચ વાગી ગયા. બધાએ કહ્યું ઃ ‘‘ઓફિસ ટાઈમ પૂરો થઈ ગયો. હવે કાલની વાત કાલે!’’

આપણા દેશમાં આઝાદી પછી આપણે સૌથી મોટું પાપ કર્યું હોય તો તે સ્વાવલંબનની ભાવનાને ગળે ટૂંપો દેવાનું. આજનો માણસ વઘુમાં વઘુ પરાવલંબી થતો ગયો છે. ભણતર માટે પરાવલંબી, પાસ થવા માટે પરાવલંબી, પ્રવેશ માટે પરાવલંબી અને પદવી મેળવ્યા પછી નોકરી માટે પણ પરાવલંબી. આ દેશમાં સહુએ ‘સાહેબ’ બનવું છે, કોઈએ સેવક રહેવું નથી! ‘સાહેબ’ શું કામ બનવું છે? સાહ્યબી ભોગવવા માટે. જે ‘સાહેબ’ છે, તેણે ‘મોટા સાહેબ’ બનવું છે અને જે ‘મોટા સાહેબ’ છે તેણે ‘મોટા’થી પણ ‘અતિ મોટા’ બનવું છે. આમ આખા જગતમાં ‘મોટાપણા’ની તલાશ સતત ચાલે છે. પરિણામે કામ પ્રત્યેનો લગાવ, આદર અને સ્વાવલંબનનું ગૌરવ ખતમ થઈ ગયું છે. ‘શેઠાણી’ નોકર, રસોઈઓ, ડ્રાઈવર અને કામવાળીની દયાની ભિખારણ છે અને શેઠ તમામ કામો માટે ‘સ્ટાફ’ પર અવલંબિત છે. પરિણામે ‘આત્મગૌરવ’ને બદલે અહંકારની બોલબાલા છે.

જે દેશની કે સમાજની વ્યક્તિઓમાં આત્મગૌરવ ન હોય ત્યાં પરાવલંબનની બદબૂ ફેલાતાં વાર નથી લાગતી. માણસ જેમ વઘુ ભણેલો તેમ વઘુ પરાવલંબી, કશું નહીં ચલાવી લેવાની પ્રબળ વૃત્તિ. કામચોરી, દામચોરી અને હરામખોરી એ માણસે જાતે શીખી લીધેલાં પાપો છે. તમે આત્મગૌરવ ઉર્ફે ‘સેલ્ફ એસ્ટીમ’ને વરેલા માણસ છો? તો તમારી જાતને પૂછો ઃ

૧. હું સ્વાવલંબી છું કે પરાવલંબી?
૨. મારું મન મુક્ત અને સ્વાભાવિક રીતે વર્તનાર છે કે પછી બંધીઆર છે?
૩. જીવન પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ આશાવાદી, રોમાંચક અને પડકાર ઝીલવાની તૈયારીવાળો છે ખરો?
૪. નિર્ણયોમાં હું જડ છું કે લચીલો કે સમાધાનકારી?

૫. કોઈની સાથે મને સ્પષ્ટ રીતે મોંઢામોંઢ વાતચીત કરતાં ફાવે છે?
૬. મારી સમસ્યાઓનું સમાધાન શોધતાં મને આવડે છે કે પછી કોઈના સહકાર અને કૃપા માટે હું તડપતો રહું છું ?
૭. બીજાના સન્માનને હું સાચવી શકું છું ખરો?

૮. બીજાનાં ખ્યાલો અને મંતવ્યો પ્રત્યે હું સહિષ્ણુતા અને આદરભાવ રાખી શકું છું ખરો?
૯. બીજાની વાત શાન્તિથી સાંભળવાની મારામાં તૈયારી છે ખરી?
૧૦. બીજાના અભિપ્રાયો અને ટીકાઓને સાંભળવાનું ધૈર્ય હું જાળવી શકું છું ?
૧૧. મારી ભાવનાત્મકતા, લાગણીશીલતા અને આવેશને હું નિયંત્રિત કરી શકું છું ખરો?

૧૨. હું મારી જાતને અને બીજાઓને પ્રોત્સાહિત કરી શકું છું ખરો?
૧૩. મારી મર્યાદાઓ અને વિશેષતાઓનું મને વાસ્તવિક ભાન અને જ્ઞાન છે ખરૂં ?
૧૪. મારી શક્તિઓનો કયાસ કાઢી વિકાસની તકો ઝડપી લેવા મારી તૈયારી હોય છે ખરી?
૧૫. હું સમસ્યાઓનાં રોદણાં રડ્યા કરું છું કે પછી સમસ્યાના ઉકેલ માટે સદાય તત્પર અને યત્નશીલ રહું છું?

૧૬. મારા દુરાગ્રહોનો રક્ષક બની મારો જ કક્કો ખરો કરાવવાની મને કુટેવ છે ખરી?
૧૭. બીજાઓનો સહકાર, સલાહ, સહાય અને સૂચન મેળવવાની મારી તૈયારી હોય છે ખરી?
૧૮. જિંદગીમાં કરવાં જેવાં તમામ કામોમાં હું સમર્પણભાવે એકાગ્ર રહી શકું છું ખરો?
૧૯. મારી જાત પ્રત્યે મને શ્રદ્ધા અને વિશ્વાસ છે ખરાં?

૨૦. પ્રલોભનની પળોમાં હું ‘મૂલ્યનિષ્ઠ’ રહી શકું છું ખરો?
૨૧. હું માત્ર પોતાની દરકારમાં મશગૂલ હોઊં છું કે બીજાની દરકાર રાખવામાં પણ મને રસ હોય છે?
૨૨. હું ‘રસ’ ખાતર કામ કરું છું કે માત્ર ‘યશ’ ખાતર?
૨૩. મારા એકાંતની પળોમાં મને વિલાસનાં સપનાં આવે છે કે આત્મવિકાસનાં?

૨૪. મારે બઘું સંપૂર્ણ જોઇએ છે કે પછી આકસ્મિક કારણોસર મારા દ્વારા કે મારા સાથીઓ- કર્મચારીઓ દ્વારા થયેલી- રહી ગયેલી ક્ષતિ ચલાવી લેવાની મારી તૈયારી હોય છે?
૨૫. હું સર્વોપરી બનવા માગું છું કે સ્નેહોપરી?
૨૬. મને સાધના ખપે છે કે માત્ર સિદ્ધિ?

માણસે જાતને માપવા ‘સેલ્ફ એસેસમેન્ટ’ મીટર જાતે બનાવવું જોઇએ. લોહીમાં ખાંડને કારણે ‘મીઠાશ’ કેટલી વધી છે એ માટે ડાયાબિટીસ સંદર્ભે આપણે બ્લડ ટેસ્ટ તો કરાવીએ છીએ પણ આપણી જીભ, મન અને હૃદયમાં કડવાશ વધી છે કે ઘટી છે એનો ‘ટેસ્ટ’ જાતે કરવાની આપણને ફુરસદ નથી. માણસ બીજાનું ‘ઈન્સ્પેકશન’કરવા અતિ ઉત્સુક હોય છે, પણ જાતનું ઈન્સ્પેકશન ઉર્ફે આત્મમૂલ્યાંકન માટે એને લેશમાત્ર ઉત્સાહ નથી હોતો. દરેકને ‘પ્રમોશન’માં રસ છે, ‘ડિવોશન’માં નહીં. પદોન્નતિ વઘુ પવિત્ર બનવા માટે છે, ‘કામચોર’ અને ‘દામચોર’ બનવા માટે નહીં.

આજની પેઢીને, આજનાં નાગરિકોને સ્વરાજ્યનો સ્વાદ માણવા માટે તૈયાર ભાણું મળ્યું છે. એટલે ત્યાગ, કષ્ટસહન, કુરબાની અને સ્વાભિમાનનું મહત્વ સમજાયું નથી. સરદાર વલ્લભભાઇના શબ્દોમાં કહીએ તો જુવારના ખેતરમાં તાળીઓ પાડી ચકલાં ઉડાડીએ, તેમ ખાલી હાકોટા કરી આપણે સ્વરાજ્ય મેળવ્યું છે, મહેનત કર્યા વગર મળ્યું છે, માટે આપણે ગભરાઇ ગયા છીએ.

એ વાત સાચી છે કે ‘સંઘર્યો સાપે ય કામમાં આવે’ એવા ખ્યાલથી નેતૃત્વમાં ‘સાપોને’ય સંઘરી રાખ્યા છે. સંઘરી રાખવા જેવા સજ્જન નેતાઓની ખોટ એ ક્યારેય ભરપાઇ ન થાય એવું નુકસાન છે. આત્મગૌરવશીલ પણ કોઇને નાનો ન ગણનાર નેતા કેવા હોય એનો દાખલો લોકમાન્ય તિલક વિશે શ્રી પ્રતાપભાઇ વ્યાસે વર્ણવેલા એક પ્રસંગમાં જોવા મળ્યો. લોકમાન્ય તિલકને ત્યારે બર્મામાં આવેલા માંડેલેની જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં કુલકર્ણી નામનો એક હિન્દી કેદી પણ જેલમાં હતો.

તેને તિલક મહારાજના રસોઇઆ તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. એક દિવસ કુલકર્ણી રસોઇ બનાવતો હતો, ત્યારે તિલક મહારાજ ત્યાં એકાએક પહોંચી ગયા. ત્યાં જઇને જોયું તો ભાતનાં બે વાસણો પડ્યાં હતાં. તિલક મહારાજે પૂછ્યું ‘‘કુલકર્ણી, આ શું? ભાતનાં બે વાસણો કેમ?’’ કુલકર્ણીએ ખુલાસો કરતાં કહ્યું ‘‘મહારાજ, આ સુંવાળા ભાત તમારા માટે છે, અને આ જાડા ચોખાના ભાત મારે માટે છે.’’ આ સાંભળી તિલક મહારાજ ચોંકી ઊઠ્યા ‘‘નહિ, નહિ, મને મળતા ચોખામાંથી આપણે બન્ને ખાઈશું અને જાડા ચોખા ચકલાંને નાખી દઇશું!’’

નોકરોનેય રહેવાનું મન થાય એવી સુંદર સગવડો આપે તે ખાનદાન શેઠ! અફસોસ! આજે ખાનદાન શેઠ કે ખાનદાન નોકરની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી રહી છે. પ્રાપ્ય સગવડોની પણ જે બનાવી નાખે ભભૂતી, એનું નામ વિભૂતિ. મોજભૂખ્યા નહીં, આત્મખોજ ભૂખ્યા માનવીઓ જ કોઇ પણ દેશની મોંઘેરી મૂડી છે.

Advertisements

જુલાઇ 18, 2010 - Posted by | સાહિત્ય

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: