વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

જાગને જાદવા -નરસિંહ મહેતા

જાગને જાદવા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ મારો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ લેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરી શી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રિઝીએ
બૂડતાં બાંયડી કોણ સાહશે ? … જાગને

– નરસિંહ મહેતા

Advertisements

ડિસેમ્બર 14, 2010 Posted by | કાવ્ય અને ગઝલ | 1 ટીકા

આવડવું જોઈયે

સુખ ફક્ત શહેર ની જાહોજલાલી માં નથી,
ગામ ની ભાગોળે પણ છે
જે માણતા આવડવું જોઈએ

સુગંધ ફક્ત પુષ્પો માં નથી,
ગાયો ની ગમાણ માં પણ છે
જેની મહેક પામતા આવડવી જોઈએ

ભક્તિ ફક્ત પ્રભૂ સ્તુતિ માં નથી,
દિન દુખિયા ને કાજે ઉઠેલા હાથો માં પણ છે
જેની કરુણતા જાણતા આવડવી જોઈએ

પ્રેમ ફક્ત “હું તને પ્રેમ કરું છું” માં નથી,
મોંન માં પણ છે
જે સમજતા આવડવું જોઈયે

હે માનવ, રાવણ ફક્ત લંકા માં નથી,
આપણા દરેક ની અંદર પણ છે
જેનો સંહાર કરતા આવડવું જોઈયે

ઓક્ટોબર 13, 2010 Posted by | કાવ્ય અને ગઝલ | 1 ટીકા

વિરાર ફાસ્ટ.. -નિમેશ

માણસ દબાય છે
પણ દરેક જણ જાણે જડ છે,
વિરાર ફાસ્ટ માં.

માણસ ચીખે છે
પણ દરેક ને જાણે બહેરાશ છે,
વિરાર ફાસ્ટ માં.

માણસ ને દર્દ સહેવાતું નથી
પણ દરેક જણ નિસહાય છે,
વિરાર ફાસ્ટ માં.

માણસ અંધેરી, બોરીવલી નો છે
પણ જાણે ફરજીયાત લઈ જવાય છે દહીસર
વિરાર ફાસ્ટ માં.

માણસ દરવાજે લટકાય છે
પણ દરેક નો ધક્કો તેમને બહાર ફેકે છે
વિરાર ફાસ્ટ માં.

માણસ જાણે ઢોર નાં જેવો ઠલવાય છે
અને વિરાર ફાસ્ટ નું પણ નામાંકન જાણે
ઢોર ગાડી થઈ જાય છે.

ઓક્ટોબર 12, 2010 Posted by | કાવ્ય અને ગઝલ | 2 ટિપ્પણીઓ

ભૂલી ગયો છું – કરસનદાસ લુહાર

(Readgujarati)

મારું જ નામ ને હું નકશો ભૂલી ગયો છું,
મારા સુધી જવાનો રસ્તો ભૂલી ગયો છું.

છે યાદ કે હતો હું મોંઘો મનેખ અહીયાં;
પણ કેમ થઈ ગયો હું સસ્તો, ભૂલી ગયો છું.

કૂંડા મહીં આ કેકટસ રોપી રહ્યો છું ત્યારે –
ઊગ્યાં’તાં આપમેળે વૃક્ષો ભૂલી ગયો છું.

છેલ્લું રડ્યો’તો ક્યારે એનું નથી સ્મરણ તો
ક્યારે મને મેં જોયો હસતો ભૂલી ગયો છું.

પથરાળ થૈ ત્વચા કે તારા પ્રથમ પરસનો –
લાગ્યો’તો લોહીમાં એ ઝટકો ભૂલી ગયો છું.

આથી વધુ સજા શું હોઈ શકે મને કે ?
હું મોર છું ને મારો ટહુકો ભૂલી ગયો છું.

ઓગસ્ટ 9, 2010 Posted by | કાવ્ય અને ગઝલ | 1 ટીકા