વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

‘..અને જોયું તો મારા પગ પાસે જ એક કદાવર સિંહણ..’ Sanat Shodhan

(Divyabhaskar)

‘..અને જોયું તો મારા પગ પાસે જ એક કદાવર સિંહણ..’
Sanat Shodhan
ગુજરાતમાં સિંહની વસતી ગણતરી સંપન્ન થઇ ગઇ અને ૪૧૧ સિંહ હોવાનું ગૌરવભેર જાહેર પણ કરાયું. સિંહની વસતીગણતરી વખતે સતત સાથે રહેલા ભારતના ખ્યાતનામ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સનત શોધનને થયેલા રોમાંચક અનુભવોની વાત, એમના જ શબ્દોમાં…

આજથી દસ વર્ષ પહેલાં સરિસ્કાના જંગલમાં વાઘની ગણતરી વખતે પૂનમની રાત્રે વાઘ સાથે એક રોમાંચક અનુભવ થયેલો. દસ વર્ષ પછી ક્યારેય ભૂલાય નહીં અને ફરી ક્યારેય થાય નહીં એવો દિલધડક અનુભવ સિંહ ગણતરી વખતે સાસણ ગીરમાં થયો. આ વર્ષે જંગલખાતા તરફથી ૨૪થી ૨૭ એપ્રિલ, ૨૦૧૦ દરમિયાન ફોટોગ્રાફી તથા આધુનિક જીપીએસની મદદથી સિંહની વસતી ગણતરીનું આયોજન કરાયું હતું. નાયબ વન્ય સંરક્ષક સંદીપકુમાર સાહેબે ખૂબ મહેનત કરીને ૧૫૦૦ જેટલા સ્વયંસેવકો માટે બધી જ જાતની સુંદર વ્યવસ્થા કરેલી. ચાર દિવસ ચાલનારી સિંહની ગણતરીમાં સતત જંગલમાં રહીને જીપમાં કે ચાલીને કપરું અને જોખમી કામ કરવાનું હતું.

મારા કમરના દુ:ખાવાને લીધે જરા વિચારમાં પડ્યો કે આ કપરું કામ કેમ પાર પડશે? બીજી જ ક્ષણે થયું કે હવે પછીની ગણતરી પાંચ વર્ષે થશે, ત્યારે તો હું સિત્તેર વટાવી ચૂક્યો હોઇશ અને એમાં ભાગ લેવાનું કદાચ શક્ય ન પણ બને. મેં મનમાં ગાંઠ વાળી: ગમે તે થાય, પણ આ વખતે ગણતરીમાં ભાગ લેવો જ છે. આ મક્કમ નિર્ધાર સાથે મેં ગણતરીમાં ભાગ લીધો. તા. ૨૪ એપ્રિલના દિવસે બપોરે બે વાગ્યાથી શરૂ કરીને બીજા દિવસની બપોરના બે વાગ્યા સુધીના ૨૪ કલાકમાં અમે અગિયાર સિંહ જોયા અને તેની નોંધણી કરી.

૨૬મી તારીખે બપોરે બે વાગે ફરી દેવિળયા ઝોનમાં નીકળ્યા. તરત જ અમે પાંચ સિંહનું ટોળું જોયું. એક સિંહ, બે સિંહણ અને બે બચ્ચાં. ત્યારપછી દર થોડા સમયે અમને સિંહ મળતા રહ્યાં. રાત્રે આઠ વાગે બાબરા ચોકી પાસે દસ સિંહોની પલટન જોવાનો અનેરો લહાવો મળ્યો. જીવનમાં જવલ્લે જ જોવા મળતી સિંહોની આવી કતારનો મન ભરીને આનંદ લૂંટ્યો.

ત્યાંથી નીકળી અમે દોઢ કલાકે ખાંડણીધાર પહોંચ્યા. ત્યાં પહોંચતાની સાથે જ અમે જંગલમાં અંદરની બાજુએ બે સિંહ બેઠેલા જોયા. ઝાડી વચ્ચે બેઠેલા સિંહના ફોટા પાડ્યા પણ જો સિંહ બહાર આવે તો ફોટા પાડવાની વધુ મજા આવે, તે વિચારે અમે થોડે આગળ કાબુડી નાકા પાસે ગયા. ત્યાં બે ચોકીદારો એક પથરાળ ટેકરી ઉપર ઊભા હતા. અમે ટેકરી ચઢી તેમની પાસે ગયા. ટેકરી પાસે જ સિંહ અને બીજા જંગલી જાનવરો માટે પીવાના પાણીના કુંડ હતા.

પેલા બે સિંહ નજીકમાં જ હતા. બંને સિંહોના હાકોટા અને ગર્જનાઓના અવાજ, જંગલની નિરવ શાંતિને ચીરીને દૂર દૂર સુધી સંભળાતા હતા. વાતાવરણમાં પણ એક અકલ્પ્ય ભય તરતો હતો. અનુભવે ચોકીદારોને વિશ્વાસ હતો કે સિંહો પાણી પીવા જરૂર આવશે. અમે તેમની સાથે રોકાયા. અમારા ઉત્સાહી કાટારાસાહેબ આજુબાજુ બીજા સિંહો ક્યાં છે તે શોધવા નીકળી પડ્યા. જેમ જેમ રાત વધતી હતી તેમ તેમ પવનના સુસવાટા અને ઠંડી વધતી હતી.

સાથે સાથે ઝાકળ પડવાનું પણ શરૂ થયું. જંગલની ટાઢ તો જેણે અનુભવી હોય એ જ કહી શકે! વાતાવરણ ખૂબ ઠંડું, ચંદ્રના પ્રકાશમાં ઝળહળતું અને આજુબાજુથી આવતા ચિતલ, સાંબરના ધ્રુજારીભર્યા એલાર્મકોલથી ખૂબ જ રોમાંચક બની ગયેલું. મધરાત બાદ લગભગ અઢી વાગે પેલા બે સિંહ પાણી પીવા આવ્યા. તેમની જીભના પાણી પીવાના અવાજે અમને સૌને ચેતવ્યા. સૌ મીટ માંડીને ચંદ્રના પ્રકાશમાં બંને સિંહોને નિરખતા રહ્યા. થોડીવારે બંને સિંહો પાણી પીને ચાલ્યા ગયા. સૌને હાશ થઇ! આખો દિવસ જંગલમાં ફર્યાના થાકે સૌનો કબ્જો લઇ લીધો. ઊંઘ ન જુએ ઓટલો એમ વિચારીને સૌએ પથ્થરો પર લંબાવવા વિચાર્યું. અહીં જ મારા જીવનનો એક અનન્ય અનુભવ મારી રાહ જોતો હતો…

મને થયું કે જ્યારે ચારેબાજુ સિંહ હોવાની શક્યતા છે તો બધાએ એકસાથે સુવું યોગ્ય નથી જ. મેં કહ્યું ‘તમે સૌ સુઇ જાઓ, હું જાગતો બેઠો છું.’ અમારી સાથેના બે જણ અને ચોકીદારો સૌ સુઇ ગયા. હું બેઠો રહ્યો. કલાક થયો..જંગલ પણ જાણે અંધારાની ચાદર ઓઢીને સૂઇ ગયું હતું. સિંહોની ગર્જના પણ બંધ થઇ હતી. ચિતલ, સાંબરના એલાર્મકોલ્સ પણ બંધ થયેલા. મનેય બે ઘડી ઊંઘ ખેંચી લેવાની ઇચ્છા થઇ આવી.

મન ના પાડતું હતું, પરંતુ શરીર તો હિસાબ માગે ને! હું આડો પડ્યો અને મારી આંખ મળી ગઇ. લગભગ ૧૫થી ૨૦ મિનિટ થઇ હશે અને મારી તંદ્રામાં એક ન કલ્પી શકાય એવો ભાસ થયો કે મારી સામે કોઇ ઊભું છે અને મને ટગરટગર જોયા કરે છે. મેં તરત જ આંખો ખોલી, માથું ઊંચું કર્યું અને જોયું તો મારી સામે, મારા પગ પાસે, મને એકીટસે જોતી એક કદાવર સિંહણ…ધ્રાસકો પડ્યો, હવે શું કરું? પણ ધીરજ ગુમાવી નહીં.

માથું જમીન ઉપર પાછું ટેકવી દીધું. સ્તબ્ધ થઇને પડી રહ્યો. હું અને સિંહણ એકીટસે એકબીજાને જોતાં રહ્યાં. સેકન્ડો કલાકો જેવી લાગવા માંડી. મનમાં થયું કે પ્રભુ આ સિંહણને અહીંથી ખસેડે તો આજુબાજુના લોકોને ઉઠાડું. ભયાનક બીકની સાથે સિંહણને આટલે નજીકથી જોવાનો લહાવો પણ મળ્યો. પ્રભુએ મારી વિનંતી સાંભળી, ને થોડી ક્ષણોમાં સિંહણ ખસીને અમારી બાજુમાં જઇ ઊભી રહી.

મેં હિંમત કરી બાજુમાં સૂતેલા મુકેશભાઇ મહેતાને ધીમેથી કહ્યું, ‘ઊઠો સિંહણ બાજુમાં ઊભી છે.’ પછી ખસીને ચોકીદારને ઉઠાડ્યો અને અમે સૌ પલકારામાં બેઠા થઇ ગયા. ઊભેલી સિંહણને જોઇ રહ્યા અને સાથે સાથે આગળ પાછળ નજર કરી તો બીજી બે સિંહણ અમારી પાછળ થોડે છેટે ઊભેલી. ચોકીદારોની સૂઝ અને અમુક ઢબના અવાજથી પાસે ઊભેલી સિંહણ ચાલીને બીજી સિંહણો સાથે ભેગી મળીને જંગલમાં ચાલી ગઇ.

જંગલમાં જતાં જ ત્રણે સિંહણોએ હાકોટા કરવાની શરૂઆત કરી. આ સાંભળી ચોકીદારે કહ્યું, ‘આપણે સૌ સાથે જ ઊભા રહો. આ સિંહણો પેલા સિંહોને બોલાવે છે અને હમણાં જ સિંહ છલાંગ મારતાં દોડીને સિંહણો પાસે આવી જશે. અને ખરેખર એવું જ થયું! અમે દંગ થઇ જોઇ જ રહ્યા. પલકારામાં પાંચેય સિંહ-સિંહણ જંગલમાં અદ્રશ્ય થયાં.

આ કુદરતની કમાલ અને પ્રભુએ આપેલી આ અકલ્પ્ય યાદગાર ભેટ જિંદગીભર નહીં ભૂલાય! મારા ભાઇ પ્રણવને મેં આ પ્રસંગ વર્ણવ્યો ત્યારે તેણે એક જ વાત કહી કે ‘તારા કુદરત અને વન્ય પ્રાણીઓ પ્રત્યેના અખૂટ પ્રેમને વધાવવા પ્રભુએ તને આશીર્વાદ આપવા આ સિંહણને તારી પાસે મોકલી હશે.’ આવા જિંદગીભરનું ભાથું બને એવા રોમાંચક અનુભવો સાથે એક સાથે ચોત્રીસ સિંહો જોવાનો લહાવો પણ મળ્યો.‘

shodhansj@yahoo.co.in

Advertisements

મે 12, 2010 Posted by | ગુજરાત | Leave a comment

સર્જનાત્મકતાને શ્વાસ લેવાની મોકળાશ આપતું ગુજરાત – Chirantana Bhatt, Ahmedabad

(Divyabhaskar)

‘અનારકલી, સલીમ તુમ્હેં મરને નહીં દેગા, ઔર હમ તુમ્હેં જીને નહીં દેંગે.’, ઝિલ્લેઇલાહીના આ શબ્દોથી કાંપતું પાંદડું ય અટકી જાય. પણ આ જ ઝિલ્લેઇલાહી એટલે કે પૃથ્વીરાજ કપૂરે પચાસના દાયકામાં વડોદરામાં આવેલા ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના પ્રાંગણમાં પગ મૂકયો ત્યારે કળાના મોહમાં તેમણે પણ ક્ષણો જીવી લીધી.

ભારતીય મોડર્ન આટર્ની કથાનું બીજ આ જ પ્રાંગણમાં વવાયું. એમ.એસ. યુનિ.નાં વાઇસ ચાન્સેલર હંસા મહેતાને આ માટેનો તમામ શ્રેય જાય છે. આજે લલિતકલાઓ સાથે સંકળાયેલા દરેક દિગ્ગજો કે આર્ટ માર્કેટમાં ચપોચપ વેચાઇ જતા નવોદિત કલાકારો તમામની કલર પેલેટનો સૌથી શ્રેષ્ઠ રંગ વડોદરા ફાઇન આર્ટ્સનો હોય છે.

માર્કંડ ભટ્ટ, એન. એસ. બેન્દ્રે, કે જી સુબ્રમણ્યમ, ભૂપેન ખખ્ખર, ગુલામમોહમંદ શેખ, જયોતિ ભટ્ટ, નાગજી પટેલ, શંકૌ ચૌધરી, રામ કિંકર બૈજ જેવા અગણિત નામો આ વડના મૂળિયાં સાથે સંકળાયેલા છે. ગુજરાતની આબોહવામાં આ લલિત કલાઓ વિસ્તરી કારણ કે અહીં સર્જનાત્મકતાને શ્વાસ લેવાની મોકળાશ હતી.

ગુજરાત મહારાષ્ટ્રમાંથી છૂંટું પડયું ત્યારે શેઠ સારાભાઇ મગનભાઇ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓએ શહેરમાં કલા સંસ્થા સ્થાપવાનું બીડું ઝડપ્યું અને ૧૯૬૧ની સાલમાં શેઠ સી એન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ શરૂ કરાઇ. સી એન વિધાવિહારના સંકુલમાં આવેલા આ કલાત્મક પાસાંને પગલે તે પિશ્ચમ ભારતના શાંતિનિકેતન તરીકે ઓળખાતું. મેટલ કાસ્ટિંગ, શિલ્પકલા અને પેઇન્ટિંગ વગેરેમાં અનેક કલાકારો આ કોલેજના ચાકડે ઘડાયા છે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર કલાકાર નબીબક્ષ મન્સુરીએ અહીંથી જ ડિપ્લોમા કર્યા બાદ વડોદરા ફાઇન આર્ટ્સમાં પોસ્ટ ડિપ્લોમાનો અભ્યાસ કર્યોહતો. વીસમી સદીમાં અમદાવાદને કલાગુરુ રવિશંકર રાવળના આશીર્વાદ ફળ્યા. તેમણે ગુજરાતની કલાને ઉચ્ચ સ્થાન અપાવવા અથાગ પ્રયાસ કર્યા હતા.

ફાઇન આર્ટ્સનો પ્રભાવ : એક રૂપિયામાં નાટક જોવા મળ્યું

વડોદરામાં પૃથ્વી થિયેટર લઇને આવેલા અદાકારને ફેકલ્ટીના વિદ્યાર્થીઓના સેક્રેટરી રમેશ પંડયા સાઇકલ પર મળવા ગયા અને કેમ્પસની મુલાકાત લેવા વિનંતી કરી. સામે શરત એટલી કે તેમને લેવા વાહન જાય. ત્યારે પહેલા વર્ષના વિદ્યાર્થી અને આજના શ્રીમંત શ્રી મહારાજા રણજિતસિંહ ગાયકવાડે તેમની શોફરડિ્રવન કાર મોકલી. વિદ્યાર્થી જોશીએ અદાકારનો સ્કેચ તૈયાર કર્યો.

જતાં જતાં ફેકલ્ટીના ડિનને અદાકારે કહ્યું કે જેટલા વિદ્યાર્થીઓને અમારાં નાટક જોવા આવવું હોય તેમને કહેજો કે તમારી સહી વાળું કાર્ડ લઇને આવે તેમને એક રૂપિયામાં નાટકો જોવા મળશે. પચાસના દાયકામાં ત્રીસ રૂપિયાની ટિકિટે જોવા મળતાં હાઇ ફાઇ નાટકો ૨૫ વિદ્યાર્થીઓએ ૧ રૂપિયો ચૂકવીને જોયાં. આ હતો ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સનો પ્રભાવ.

ડિઝાઇન ક્ષેત્રમાં એનઆઇડી અવ્વલ

જવાહરલાલ નહેરુને ભારતીય સંસ્કતિ પર વિદેશી અસર અંગે ચિંતા થઇ. આપણી હસ્તકલાઓ, આવડતો, લઘુ ઉધોગો રોજિંદી ઘટમાળનો હિસ્સો વ્યવસાયિક ઔધોગિક હિસ્સો બને તે માટે ભારતીય ‘ડિઝાઇન’ના જતન માટે પગલાં લેવાનો નિર્ણય થયો. આ નિર્ણયને પાર પાડવા માટે અત્યંત જાણીતા એવા ચાર્લ્સ અને રે એઇમ્સને ભારત બોલાવાયા. ૧૯૬૧માં નેશનલ સ્કૂલ ઓફ ડિઝાઇન (એનઆઇડી)ની અમદાવાદમાં સ્થાપના થઇ.

ભારતમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન, તાલીમ અને સેવાઓ વગેરે વિકસતા વિશ્વમાં સ્થાન આપનારી આ પહેલી સંસ્થા હતી. ચલણી સિક્કા હોય કે વસ્તીગણતરીનાં ફોમ્ર્સ કે પછી વાતાવરણ પ્રમાણે તાપમાન બદલતા જેકેટ્સ. આ તમામ પાછળ એનઆઇડીનું ડિઝાઇનિંગ કામ કરે છે.

ટેક્સટાઇલ, વિઝ્યુઅલ, પ્રોડકટ ડિઝાઇનિંગ, ફર્નિચર ડિઝાઇન, ટોય ડિઝાઈન, ડિઝાઇન થિંક જેવાં અનેક પાસાં પર સર્જનાત્મક વિચારશૈલી ઘડવામાં એનઆઇડીએ કાઠું કાઢ્યું.

કલાકારોની જન્મભૂમિ

૧ ફેકલ્ટી ઓફ ફાઇનઆર્ટ્સમાં એન. એસ. બેન્દ્રેએ સારા કલાકારોને બોલાવી વિદ્યાર્થીઓને ડેમોન્સ્ટ્રેશન આપવાની પ્રથા શરૂ કરી હતી. આ ડેમો માટે એમ. એફ. હુસેન, પેરીન મિસ્ત્રી, કે કે હૈબ્બર, સ્યાવક્સ ચાવડા જેવા કલાકારો આવ્યા હતા. તેઓએ જે તે વખતે તૈયાર કરેલી કતિઓ આજે પણ યુનિ.માં સચવાયેલી છે અને તેનું મૂલ્ય આંકવું શકય નથી.

૨ જવાહરલાલ નહેરુએ ચાર્લ્સ અને રે ને ભારત બોલાવી આખા ભારતમાં પ્રવાસ કરી હસ્તકલા અને લઘુઉધોગો અંગે રિપોર્ટ તૈયાર કરવાનું જણાવ્યું હતું. ૧૯૫૮માં તેમણે રિપોર્ટ તૈયાર કરી સારી ગુણવત્તાવાળાં ઉત્પાદનો નાનાં એકમો કરી શકે તે માટે ડિઝાઇન રિસર્ચ અને સર્વિસ સંસ્થાની જરૂર હોવાનું જણાવતાં ૧૯૬૧માં અમદાવાદમાં એનઆઇડી (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ) રચાઈ.

ફેકટ ફાઇલ

૧ ફાઇનઆટર્સમાં યોજાતો ફેર શાંતિનિકેતનમાં યોજાતા ફેરમાંથી પ્રેરણા લઇ ૧૯૬૧માં યોજાયો, જેમાં પહેલીવાર રમેશ પંડયાના સૂચનથી લાઇવ પપેટ્ શો શરૂ કરાયો.
૨ ૧૯૫૫માં જવાહરલાલ નહેરુ ફાઇન આર્ટ્સની મુલાકાતે આવ્યા પણ તેમણે કયાંય પણ હસ્તાક્ષર નહીં આપે તેમ કહેલું છતાં વિદ્યાર્થીએ તૈયાર કરેલા સ્કેચ પર તેમણે સહી કરી હતી.
૩ તે સમયે ફાઇનઆર્ટ્સની ફી પ્રતિ સત્ર એશી રૂપિયા હતી.
૪ ફેકલ્ટી ઓફ ફાઇનઆર્ટ્સ પહેલાં શરૂ થયેલા કલા ભવનમાં દાદા સાહેબ ફાળકેએ તાલીમ લીધી હતી.
૫ એનઆઇડીના પહેલા વર્ષે માત્ર છ મહિનાનો પ્રાથમિક કોર્સ હતો જેમાં છ જ વિદ્યાર્થી હતા. આજે સંસ્થામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૯૫૦ની આસપાસ છે.
૬ એનઆઇડીની ઇમારતનો ઘણો હિસ્સો મોડયુલર આર્કિટેકચર સ્ટાઇલથી બનાવાયો છે.
૭ ઇન્ડિયન ઐરલાઇન્સનો જાણીતો લોગો ૧૯૬૭માં એનઆઇડીએ તૈયાર કર્યો હતો.
૮ એનઆઇડીને અમદાવાદમાં સ્થાપવાનું શ્રેય ગૌતમ અને ગીરા સારાભાઇને જાય છે. સંસ્થાની શરૂઆત થઇ ત્યારે ડિરેકટર બોર્ડના વડાં ગીરા સારાભાઇ તથા ફાઉન્ડિંગ ચેરમેન ગૌતમ સારાભાઇ હતા.
૯ સંસ્થાનની ઇમારત અંગે ડિઝાઇન નક્કી થઇ ત્યારે કયાં કેવા પ્રકારનાં વૃક્ષો ઉગાડવા તેનો પણ ચોક્કસ પ્લાન તૈયાર કરાયો હતો.

રંગોના વિચારને આપી વાસ્તવિકતા

સુરતમાં નાગર પરિવારમાં ૧૮૯૭માં જન્મેલાં હંસા મહેતાએ સ્વાતંત્ર ચળવળમાં આગળ પડતો ભાગ લીધો હતો. તે સમયે કોલેજની ડિગ્રી મેળવનારાં એ ત્રીજા ગુજરાતી મહિલા હતાં. તેમણે ઇંગ્લેન્ડથી જર્નાલિઝમનો અભ્યાસ કરેલો બરોડા કોલેજમાં તેમના પિતા અઘ્યાપક હતા તે કોલેજ એમ. એસ. યુનિવર્સિટી બની ત્યારે દેશની પહેલી કો-એડ યુનિ.નાં સૌપ્રથમ મહિલા વાંચા બનવાનું સન્માન આ નાગરપુત્રીને મળ્યું.

તેમણે દેશની પહેલી કોલેજ ઘડી જેમાં લલિતકળાઓ ભણાવવામાં આવતી. તેમણે જાણીતા કલાકારોને ફાઇન આર્ટ્સ કોલેજ શરૂ કરવા કોન્સેપ્ટ મંગાવ્યો. માર્કંડ ભટ્ટ જેમને વિદેશી અભ્યાસની પણ જાણકારી હતી તેમની યોજના મંજૂર થઇ અને ૧૯૪૯માં હંસા મહેતાએ તેમને વડોદરા આમંત્ર્યાં. આ ઉપરાંત રવિ શંકર રાવલ, કે કે હેબ્બર, સોમાલાલ શાહ, વી પી કરમાકર, સિયાવક્ષ ચાવડા અને હર્મન ગોએટ્ઝ પણ તે સમયે વડોદરા આવ્યા.

એપ્રિલ 14, 2010 Posted by | ગુજરાત | Leave a comment

અક્ષરધામની યાત્રા વિના ગુજરાતની મુલાકાત અધૂરી-Dr. Pranav Dave, Ahmedabad

(Divyabhaskar)

‘આ સ્મારક(અક્ષરધામ) એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયીઓ માટેનું જ ન બનવું જોઇએ. આ સ્મારક એક સાંસ્કૃતિક તીર્થ બનવું જોઇએ કારણ કે ભગવાન સ્વામિનારાયણ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર હતા’ – બી.એ.પી.એસ.ના વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો અક્ષરધામ નિર્માણ પૂર્વેનો આ ઉદાત્ત સંકલ્પ આજે અક્ષરશ: ચરિતાર્થ થયેલો જોવા મળે છે. ગુજરાતના તીર્થ-પ્રવાસનની યાત્રામાં અક્ષરધામની યાત્રા વિના ગુજરાતની મુલાકાત અધૂરી કહી શકાય એવું બેનમૂન સ્મારક રાજયના પાટનગર ગાંધીનગર ખાતે છેલ્લાં ૧૮ વર્ષથી દેશ-વિદેશના યાત્રાળુઓને આકર્ષી રહ્યું છે.

ધર્મ અને વિજ્ઞાન-ટેકનોલોજીનો સમન્વય જોવો હોય તો અક્ષરધામની મુલાકાત લીધા વગર ન જ ચાલે તેવું નિર્માણ અહીં થયું છે. કેમકે અહીં ભારતનો સૌપ્રથમ ઓડિયો-એનોમેટ્રોનિકસ શો, આઇ-મેકસ ફિલ્મ – ‘મિસ્ટીક ઇન્ડિયા’ અને વિશ્વનો સૌપ્રથમ ‘આઘ્યાત્મિક વોટર શો – સત્ ચિત્ આનંદ’ અત્યંત દર્શનીય છે. ૨૪ સપ્ટેમ્બર-૨૦૦૨માં અક્ષરધામ પર ભયાનક આતંકવાદી હુમલો થયો છતાં અક્ષરધામના દર્શનાર્થીઓની સંખ્યામાં કોઇ જ ઘટાડો નોંધાયો નહીં.

ઊલટાની દર્શનાર્થીઓની સંખ્યા દર વર્ષે ઉત્તરોત્તર વધી રહી છે અને વર્ષ-૨૦૦૯માં અક્ષરધામના દર્શનાર્થીઓની સંખ્યાએ ૨૪ લાખના આંકડાને વટાવી દીધો હતો. પૂજય પ્રમુખસ્વામી મહારાજે ૩૦ ઓક્ટોબર, ૧૯૯૨ના રોજ અક્ષરધામના દ્વાર ખુલ્લાં મૂકી એક અનોખા આઘ્યાત્મિક પરિસરને વિશ્વ સમક્ષ મૂક્યું.મનુષ્ય પોતે જ પોતાના સુખનો શિલ્પી છે – આ મૂળ સૂત્રને ચરિતાર્થ કરતું કાયમી પ્રદર્શન અહીં જોવા મળે છે. ટૂંકમાં, ભારતીય સંસ્કતિનું અજોડ સ્મારક અને ગુજરાતની અસ્મિતાનું ગાન અહીં જોવા મળે છે.

ભગવાન સ્વામિનારાયણનું અજોડ મ્યુઝિયમ

અક્ષરધામ મંદિરના ભોંયતળિયે પ્રમુખસ્વામી મહારાજે રચેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી પ્રથમ આધુનિકતમ સંગ્રહસ્થાન-મ્યુઝિયમ છે. ભગવાન સ્વામિનારાયણે ઉપયોગમાં લીધેલાં વસ્ત્રો અને પાવડીથી માંડીને તેઓએ લખેલો ઐતિહાસિક પત્ર, તેઓના કેશ અને દાંત સુધીની અમૂલ્ય અને દુર્લભ વસ્તુઓની અહીં આકર્ષક રજૂઆત છે. અહીં દરેક વસ્તુની ઐતિહાસિક પરંપરાનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.

ઐતિહાસિક મહત્વ ધરાવતાં એ તમામ વસ્ત્રો અને વસ્તુઓની પુરાતત્ત્વ નિષ્ણાતો દ્વારા ખૂબ સુંદર રીતે મરામત કરાવવામાં આવી છે. આ ઉપરાંત અહીં સંદર્ભ-પ્રસંગોનાં ત્રિપારિમાણિક દ્રશ્યો પણ રચવામાં આવ્યાં છે. ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ કરાવતું આ મ્યુઝિયમ ભકતો માટે શ્રદ્ધાસ્થાન બની રહ્યું છે.

બાળયોગી નીલકંઠની સત્યગાથા દર્શાવતી ફિલ્મ : ‘મિસ્ટિક ઇન્ડિયા’

૭ વર્ષ સુધી ખુલ્લા પગે સમગ્ર ભારતની ૧૨૦૦૦ કિ.મી.ની પદયાત્રા કરનાર બાળયોગી નીલકંઠ (ભગવાન સ્વામિનારાયણ)ની સત્યગાથા સાથે વણાયેલી અને ભારતીય સંસ્કતિની વિશ્વના અનેક દેશોમાં ધૂમ મચાવી ચૂકેલી આઇમેકસ ફિલ્મ એટલે ‘મિસ્ટિક ઇન્ડિયા’. જેમાં ૧૦૮ સ્થળોએ ફિલ્માંકન થયું અને ૪૫,૦૦૦ પાત્રોના સમાવેશવાળી આ ફિલ્મમાં ભારતનાં તીર્થો-ઉત્સવો, પરંપરા અને ઉરચ મૂલ્યોની એક અદ્ભુત યાત્રા કરાવે છે.

અક્ષરધામની અનુભૂતિનો ઉપસંહાર એટલે એનિમેટ્રોનિકસ શો

ભારતમાં પ્રથમવાર પ્રયોગમાં મુકાયેલા ઓડિયો-એનિમેટ્રોનિકસ-રોબોટિકસ શો – ‘સંત પરમ હિતકારી’ અક્ષરધામની અનુભૂતિના સમગ્ર વિચારોનો ઉપસંહાર કરાવે છે. જેમાં ભગવાન સ્વામિનારાયણના જીવનનાં શાશ્વત સુખનાં રહસ્યો આઘ્યાત્મિક વાર્તાલાપમાં રજૂ થયા છે.

ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં ૩૦ વર્ષ સુધી ગામડે ગામડે ઘૂમીને ગુજરાતના સંસ્કાર ઘડતરમાં અનન્ય ફાળો આપ્યો છે. અક્ષરધામ એમનાં અજોડ વ્યકિતત્વ અને જીવનકાર્યને ભાવાંજલિ આપે છે.

ગુજરાતનું મહાન નજરાણું

૧) ૧,૬૦,૦૦૦ ઘન ફૂટ ગુલાબી પથ્થરમાંથી નિર્મિત ૨૦મી સદીના ગુજરાતનું સૌથી મોટું અને અદ્વિતીય સ્થાપત્ય – અક્ષરધામ મંદિર.

૨) ૮૦,૦૦,૦૦૦ માનવ કલાકોના ભકિતસભર પુરુષાર્થથી પાંચ વર્ષમાં રચાયેલું અક્ષરધામ મંદિર.

૩) અક્ષરધામ મંદિરમાં ૪ મજલા, ૧૦૮ ફૂટ ચાઈ, ૯૭ બારીક નકશીથી અલંકૃત સ્તંભો, ૨૨૦ પથ્થર બીમ, ૧૭ ઘુમ્મટ-ઘુમ્મટીઓ અને ૮ સુશોભિત ગવાક્ષ છે.

૪) અક્ષરધામ મંદિરમાં પ્રવેશતાં જ ૩૩ ફૂટના ચાર કલાત્મક સ્તંભો પર છત ગોઠવવામાં આવી છે. આટલા ચાઈના પથ્થર સ્તંભો અન્યત્ર કયાંય જોવા મળતા નથી.

૫) અક્ષરધામ મંદિરમાં મુકાયેલી ૭ ફૂટ ઊચી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ગુજરાતની ઊચામાં ઊચી ધાતુ મૂર્તિ છે.

૬) અક્ષરધામમાં પ્રતિ વર્ષે ૨૪ લાખ દર્શનાર્થીઓ આવે છે. ભારતીય વડાપ્રધાનથી લઈને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ કિલન્ટન, ઇંગ્લેન્ડના રાજવી પ્રિન્સ ફિલિપ, નોબેલ વિજેતા લેચ વાલેસાથી લઈને દલાઈ લામા સુધીના અનેક આંતરરાષ્ટ્રીય મહાનુભાવોનો સમાવેશ થાય છે.

સંસ્કૃતિના ગૌરવમૂર્તિ

ગાંધીનગર, નવી દિલ્હી અને ઇંગ્લેન્ડ તથા અમેરિકા સહિત અનેક દેશોમાં ભારતીય સંસ્કòતિની ગૌરવધજા ફરકાવતા સ્વામિનારાયણ ‘અક્ષરધામ’ જેવાં અજોડ સંસ્કૃતિધામોના સર્જક સંતવિભૂતિ એટલે પ્રમુખસ્વામી મહારાજ. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ. વડોદરા પાસે ચાણસદ ગામમાં ૭-૧૨-૧૯૨૨ના રોજ તેઓનો જન્મ. ૧૮ વર્ષની વયે શાસ્ત્રીજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી સમાજસેવામાં જોડાયા. ‘બીજાના ભલામાં આપણું જ ભલું છે…!’ – આ જીવનસૂત્ર સાથે ૧૭,૦૦૦થી વધુ ગામોમાં વિચરણ કર્યું.

નિષ્કલંક સાધુતાથી તેમણે અસંખ્ય લોકો ઉપર અમીટ પ્રભાવ પાડયો અને લાખો લોકોને વ્યસનમુકત કર્યા છે. તેઓએ આરોગ્ય, શિક્ષણથી લઈને ભૂકંપ-સુનામીગ્રસ્તો સુધીના સમાજના અનેક સેવાક્ષેત્રોમાં અનન્ય પ્રદાન આપ્યું છે. ભારતીય સંસ્કૃતિ, સ્વામિનારાયણીય વૈદિક સંદેશને વિશ્વમાં ફેલાવવાનું ભગીરથ કાર્ય તેઓ ૯૦ વર્ષની વયે પણ અવિરત કરી રહ્યાં છે. તેઓની વિરાટ સિદ્ધિઓનું રહસ્ય છે : પરમાત્માનો સાક્ષાત્કાર.

એપ્રિલ 13, 2010 Posted by | ગુજરાત | Leave a comment

મહેમાનગતિ તો ગુજરાતની-Jwalant Chhaya, Ahmedabad

‘અતિથિ તુમ કબ જાઓગે’ની માનસિકતા ગુજરાતીઓની નથી
‘તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે’ તે ગુજરાતની પરંપરા છે. આજની મોંઘવારીમાં ‘ભાવ’ ભલે વઘ્યા હોય પણ યજમાનના મહેમાન માટેના ‘ભાવ’માં કોઈ ઘટાડો થયો નથી.
કાઠિયાવાડની મહેમાનગતિમાં ભગવાનને પણ સ્વર્ગ ભૂલાવવાનો પડકાર છે તો ચરોતર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની પરોણાગત પણ કમ નથી

ગુજરાતની જે પરંપરા અને જે પ્રણાલી છે તેમાં તેની મહેમાનગતિ, આતિથ્ય સૌથી ઉલ્લેખનીય છે. કરછ અને કાઠિયાવાડ હોય કે આધુનિક અમદાવાદ કે પછી ચરોતર આંગણે આવેલો અતિથિ ઇશ્વર પછીનું સ્થાન અહીં પામે છે. ‘મેરે અંગને મેં તુમ્હારા કયા કામ હૈ’ કે ‘અતિથિ તુમ કબ જાઓગે’ અહીંનાં સૂત્રો નથી. અહીં તો વર્ષોથી એક જ સૂર ગૂંજે છે, ‘તારા આંગણિયા રે પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે…’ મહેમાં જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ એ જાણે ગુજરાતનો મંત્ર છે અને આ કોઈ ઐતિહાસિક કે કથાઓમાં રહેલી વાત નથી.

ભજનની સાથે ભોજનની ફિલોસોફીને જીવનાર અનેક સંતોએ અહીં અન્નક્ષેત્રની જયોત પ્રગટાવી છે તેનો પ્રકાશ આજે પણ છે. તો અહીં કોઈ પરિવાર માટે પણ આતિથ્ય એટલે એક્સ્ટ્રા એકિટવિટી નથી. ઘરે રસોઈ બને એટલે વધારે એક-બે માણસ જમી શકે તેટલી વ્યવસ્થા તો હોય જ! આઠ-દસ રોટલી કે ચાર ભાખરી વધારે ન બને તો એ ગુજરાતી પરિવારનું રસોડું નહીં. એક સમય હતો જ્યારે કાઠિયાવાડમાં અફીણના અમલની અંજલિ, કસુંબા અપાતા, મહેમાનો માટે વિશેષ વ્યવસ્થા રહેતી.

‘કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન, કોક દિ થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.’
અમદાવાદીઓ મહેમાનને દાળવડાં અને ગોટા ખવડાવે અને સુરત જનારા લોકો લોચો કે સિઝનમાં પોંક ખાધા વગર પરત ન ફરે. વરાછામાં આખા રાજ્યની વાનગીઓ મળે અને તે ખાવા માટે રીતસર ખાસ કાર્યક્રમ ઘડી કઢાય અને તેનાં તેડાં થઈ જાય. ઉત્તર ગુજરાત કે ચરોતરના પટેલોની મહેમાનગતિ પણ એવી જ દિલેરીભરી.

જમવા બેઠેલો મહેમાન જયાં સુધી ના ન પાડે ત્યાં સુધી લાપસીમાં ઘી રેડવાનું બંધ ન થાય અને કેરીના રસની બાલદી પણ પીવાઈ જાય તો પણ યજમાનના પેટનું પાણી ન હલે. અને હા, બધા પેટાપ્રાંતમાં બધી વાનગીની વરચે ધ્રુવતારક જેવું અવિચળ નામ છે ગાંઠિયા. રમૂજ તો એવી છે કે અહીં જાન લઈને આવનાર પરિવાર દહેજ ન માગે પણ નાસ્તામાં ફાફડા હોય એવી ઇચ્છા તો રાખે.

ભગવાનને કેમ ગમે ગુજરાત?

શામળો સ્વર્ગ શા માટે ભૂલે? અહીં બનતા રોટલાની ‘વ્યાખ્યા’ એટલે મંગળપુરનો બોજરો હોય, ધ્રાંગધ્રાની પથરાની ઘંટી હોય, દીઘડિયા ગામના કુંભારે ઘડેલી તાવડી હોય, ગોલાસણીની વીડીનાં છાણાં હોય, મેરુપરની નારીએ એ બાજરો દળ્યો હોય અને સ્ત્રી પહેલા ખોળાના દીકરાને હેતથી હલાવે એ રીતે તે રોટલો ઘડાય ને ત્રણ ઘર સુધી તેની સોડમ જાય, સાથે નવચંડી ભેંસનું દૂધ હોય, આકરુ ગામના રીગણાનું ભડથું હોય અને ત્યારે જો કૃષ્ણ ભગવાન પસાર થાય તો અહીં જ રહી જાય ને?

શેઠ સગાળશાની પ્રસિદ્ધ કથા

જૂનાગઢ પાસેના બિલખામાં શેઠ સગાળશાનું એવું વ્રત હતું કે દરરોજ આંગણે આવેલા એક સંત-સાધુને ભોજન કરાવીને જ પોતે જમે. અને જે દિવસે કોઈ સંત ન આવ્યા હોય તે દિવસે શેઠ અને તેમનાં પત્ની ભૂખ્યાં રહે. ઈશ્વરને એક દિવસ તેમની પરીક્ષા કરવાનું મન થયું અને સાધુનું રૂપ લઈને ખુદ નારાયણ આવ્યા અને કહ્યું કે, મારે તો પરમાટી-માંસાહારનું ભોજન જોઈએ. શેઠ માટે ધર્મસંકટ ઊભું થયું. ત્યાં તો મહાત્માએ કહ્યું, તારો દીકરો ચેલૈયો ખાંડીને ખવરાવ તો જ જમું. શેઠ અને તમનાં પત્ની પર તો આભ ફાટયું, પરંતુ ટેક એ ટેક બંનેએ ચેલૈયાને ખાંડવાની તૈયારી દર્શાવી. દીકરો પણ સવાયો, તે ભાગી જવાની માસ્તરની સલાહ ન માન્યો અને માતા-પિતાનું વ્રત રાખવા પોતે મરવા તૈયાર થયો, પરંતુ અંતે ભગવાને તેમને આ કસોટીમાંથી પાર ઉતાર્યા.
ચેલૈયાને પુન: જીવિત કર્યો.

આજે પણ મહેમાન ભગવાન છે

અગત્યની વાત તો એ છે કે જેને ઘરે મહેમાન હોય તેની પોતાની આર્થિક સ્થિતિ જે હોય તે પણ તેની અસર મહેમાનને તો દેખાય પણ નહીં. ઘરમાં ન હોય તે વસ્તુ કે પછી તે લેવાના પૈસા પણ બહારથી લઈને મહેમાનને તો અછોવાના કરીને અને તેની પૂરે પૂરી સરભરા કરીને મોકલવામાં આવે છે.

નોલેજ પ્લસ

આતિથ્યની ઉમદા પ્રથા અહીં વર્ષોથી છે, અને હવે ભલે આ કસુંબા કે ઢીંચણિયા કે ઢોલિયા કથાઓનાં પાનાં પરના શબ્દો છે, પરંતુ આજે પણ ભોજન સમારંભ હોય ત્યારે આ કામ હવે કેટરર્સ સર્વિસવાળા કરતા હોય છે.

સંતોના સ્થાનકમાં પણ પરોણાગતની પરંપરા

1. વીરપુરમાં જલારામબાપાની જગ્યામાં દરરોજ બે ટંક ભોજન વર્ષોથી કરાવાય છે અને લાખો શ્રદ્ધાળુઓ વર્ષોથી ત્યાં આવી યથાશકિત દાન આપતાં, પરંતુ દાનનો અવિરત પ્રવાહ આવતાં અંતે મંદિર તરફથી હવે દસેક વર્ષથી કોઈ પણ પ્રકારની આર્થિક ભેટ સ્વીકારવાનું બંધ કરાયું છે. અન્નક્ષેત્ર તો ચાલે જ છે.

2. બગદાણામાં બજરંગદાસ બાપાના આશ્રમમાં પણ અતિથિઓ માટે ભોજનની કાયમી વ્યવસ્થા હોય છે.

ફેક્ટ ફાઇલ

૧. જૂનાગઢમાં ગિરનાર તળેટી પાસે જંગલમાં કાશ્મીરીબાપુની જગ્યામાં પણ ભોજન મળે અને ૮૦૦૦ પગથિયાં ચડીને પર્વત પર કમંડલ કુંડમાં પણ ભાવિકોને ભોજન મળે છે.

૨. ગીરના જંગલમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધારમાં દરરોજ સરેરાશ ૭૦૦૦ માણસો ભોજન લે છે.

૩. અન્નક્ષેત્રમાં માત્ર ગરીબો-જરૂરતમંદો જ જમે એવું નથી, કોઈ પણ જઈને ત્યાં ભોજન લઈ શકે છે અને તેની સામે તેણે સ્વૈચ્છિક દાન જ આપવાનું હોય છે.

૪. સુરતમાં જમાઈને કેરી ખાવા બોલાવવાનો રિવાજ છે, દર ઉનાળે જમાઈઓ પોતપોતાના સાસરે આ રીતે કેરી ખાવા જાય છે અને મઠ્ઠો, રસ અને શિખંડની મજા લે છે.

મુઠ્ઠી ઊચેરો ગુજરાતી, ટુકડો ત્યાં હરિ ઢુકડો: દાદા મેકરણ

‘તળેટી કચ્છની તપતી, રેતાળ, સૂકી, વિધવાના સેંથા જેવી કોરી ધરતી, વૈશાખ માસની બપોર હોય, આકાશ લૂના તીર વરસાવતું હોય અને એવા સમયે આ રણમાં જો કોઈ ભૂખ્યો માણસ કે પરિવાર ભોજન કે પાણીની શોધમાં હોય તો તેને ક્યાંક અચૂક ભોજન મળી રહે. કોણ આપે તે ભોજન? એક સંત, એક ઓલિયા-ફકીર. નામ એમનું દાદા મેકરણ. કરછના ધ્રંગ વિસ્તારના આ સંતે આખો જન્મારો લોકોનું પેટ ભરવામાં કાઢ્યો.

તેઓ એક કાવડ લઈને ફરતા. એક તરફ રોટલા હોય અને બીજા માટલામાં છાશ હોય. તેમના બે સાથી પણ સાથે હોય, લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. એ કૂતરો રણમાં ફરે, ભટકેલા મુસાફરોને શોધી લાવે, તેને મેકરણ દાદા જયાં ઊભા હોય કે ચાલતા હોય ત્યાં લઈ જાય અને પછી એ વટેમાર્ગુને રોટલો ને છાશ મળે. વર્ષો સુધી સંત મેકરણે આવી રીતે ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે.

એપ્રિલ 12, 2010 Posted by | ગુજરાત | 2 ટિપ્પણીઓ